‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસે’ યોગ સાધનામાં જોડાવવા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની અપીલઆગામી 21મી જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવશે. પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતના નાગરિકોને 21મી જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ સાધનામાં જોડાઈને આરોગ્યપ્રદ જીવન તેમજ રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપે તેવી વિનંતી કરી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
વક્તામંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ – BSFના સહયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ નડાબેટ ખાતે યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે 2500 જેટલા યોગ સાધકો રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાશે.
આ વર્ષે ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર રાજ્યભરમાં 8 મહાનગરપાલિકાઓ, 32 જિલ્લાઓ તથા 251 તાલુકા, 20 નગરપાલિકા એમ કુલ 312 મુખ્ય સ્થળોએ આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં ગ્રામ પંચાયતથી લઈને મહાનગરપાલિકા સુધી શાળાઓ, કોલેજ, જેલ, આરોગ્ય, પોલીસ સહિતના વિભાગો અને સમગ્ર ગુજરાત યોગમય બને તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ કાર્યક્રમની રૂપરેખા વિશે પ્રવક્તામંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 06:30 કલાકે તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 06:40 કલાકે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે. તેનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. ત્યારબાદ સવારે 07:00 થી 07:45 સુધી એટલે કે 45 મિનિટ સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે. રાજ્યભરમાં સવા કરોડ લોકોની સહભાગીતાથી 10મા અંતરરાષ્ટ્રીય યોગ દિવસને ભવ્ય સફળતા મળશે.
આ પણ ખાસ વાંચો :
યુજીસી નેટની પરીક્ષા રદ કરવામાં આવી
ગૌતમ અદાણી કરશે મોટું કારનામું
રેફ્રીજરેટર વાનની ખરીદી સહાય યોજના 2024
ગુજરાતમાં યોગ દિવસની પૂર્વ તૈયારીઓ વિશે પ્રવક્તામંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં બાળકોમાં યોગાભ્યાસને વધુ પ્રચલિત બનાવવા સમર કેમ્પ યોજીને 200થી વધુ સ્થળોએ યોગ-સંસ્કાર શિબિરનો 22,000થી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2024માં મોઢેરા ખાતે 108 સ્થળોએ સુર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો.
ગત વર્ષે સુરતના વેસુ ખાતે વાય જંકશન પર 1.53 લાખ લોકોએ એક સાથે યોગ કરીને ગીનિસ બુકમાં રેકોર્ડ સર્જ્યો હતો. આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રાજ્યમાં મળેલી ભવ્ય સફળતા અને ગુજરાતે સ્થાપેલા નવા વર્લ્ડ રેકોર્ડ્સની જેમ જ આગામી યોગ દિવસમાં પણ નવા કીર્તિમાન સ્થાપવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
ઉલેખ્ખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2014માં યુનાઇટેડ નેશન્સ દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને 2015થી આ દિવસ વિશ્વના દેશોમાં ઉજવાય છે. દર વર્ષે 21મી જૂને વ્યાપક લોક ભાગીદારીથી વિવિધ વિષયવસ્તુ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. 2024નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાજ્યભરમાં ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે યોજાશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો